વર્ષા ઋતુ
દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદની ઋતુ એટલે વર્ષાઋતુ. આ ઋતુ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ‘Monsoon’ મૌસિમ (અર્થાત્ ઋતુ) નામના મૂળ અરબી શબ્દ પરથી ઊતરી આવેલો છે. દક્ષિણ એશિયાનું ઋતુચક્ર ત્યાં બદલાતી રહેતી પવનોની દિશા પર આધારિત રહે છે. બહોળા પ્રાદેશિક સંદર્ભમાં જોતાં, દક્ષિણ એશિયા, આફ્રિકા અને ઉત્તર ઑસ્ટ્રેલિયાના અયનવૃત્તીય તેમજ ઉપઅયનવૃત્તીય વિસ્તારોમાં વર્ષ દરમિયાન વાતા રહેતા પવનોની દિશા વ્યુત્ક્રમી બની રહે છે; પરંતુ વર્ષાઋતુ માટેનું વધુ સારું વાતાભિસરણ તો દક્ષિણ અને અગ્નિ-એશિયામાં પ્રવર્તે છે. દુનિયાના મોટાભાગના દેશોમાં માત્ર બે જ ઋતુ-શિયાળો અને ઉનાળો-હોય છે, તેથી આ પ્રદેશોની વર્ષાઋતુને ઉનાળાના એક ભાગ તરીકે ઘટાવી શકાય. વર્ષાઋતુ દરમિયાન વાતા પવનોને લાંબા ગાળા માટે મોટા પાયા પરની દરિયાઈ લહેર સાથે સરખાવી શકાય. આ પ્રદેશોમાં ઉનાળાના પાછલા અર્ધા ગાળા દરમિયાન, સમુદ્ર-મહાસાગરો પરથી ભૂમિભાગ તરફ સ્થળાંતર કરતી ભેજવાળી હવા વરસાદ પડવાના સંજોગોનું નિર્માણ કરે છે. શિયાળા દરમિયાન આથી ઊલટો ક્રમ સર્જાય છે, જેમાં ખંડોના ભૂમિભાગો પરથી સમુદ્રો તરફ સૂકા પવનો વાય છે. ખંડો અને મહાસાગરો વચ્ચે વર્ષ દરમિયાન ફેરફાર પામતા રહેતા તાપમાનના સંજોગો વર્ષાઋતુના વાતાભિસરણમાં પણ ફેરફારોનું નિર્માણ કરે છે.
જૂનથી સપ્ટેમ્બર સુધીની ઉનાળાની ઋતુ દરમિયાન અરબી સમુદ્ર પરથી વાતા નૈર્ઋત્યના એકધારા ભેજવાળા પવનો ભારતીય ઉપખંડ પર ફૂંકાય છે અને પ્રદેશભેદે ભારે કે ઓછો વરસાદ આપે છે. આ ગાળા દરમિયાનની ઉનાળાની ઋતુને નૈર્ઋત્યકોણી મોસમી પવનોની ઋતુ અથવા વર્ષાઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આથી ઊલટું, ઑક્ટોબરથી જાન્યુઆરી સુધીની શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તર અને મધ્ય એશિયા તરફથી એકધારી ઠંડી ખંડીય હવા મુખ્યત્વે દક્ષિણ અને અગ્નિ એશિયા તરફ ફૂંકાય છે, તે જ્યારે બંગાળાની ખાડી પરથી પસાર થાય છે ત્યારે ત્યાંનો ભેજ ગ્રહણ કરીને ભારતના પૂર્વ કાંઠા પર ઓછી માત્રામાં વરસાદ આપે છે. આ ઋતુને ઈશાનકોણી મોસમી પવનોની ઋતુ અથવા શિયાળો કે શિયાળાની વર્ષાઋતુ કહે છે. યન પ્રમાણે આ તારીખોમાં ફેરફાર પણ જોવા મળે છે. સૂર્યના રાશિપ્રવેશને ગ્રહની ગતિ સાથે સંબંધ છે.
વાતાવરણના નીચલા થરોમાં થતા વર્ષાઋતુના આ પ્રકારના મોસમી વાતાભિસરણમાં મુખ્ય બે પ્રાદેશિક ઘટકોનો ફાળો મહત્વનો બની રહે છે. અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર. ભારત પર વરસાદની ઋતુનો પ્રારંભ થાય તેને ‘ચોમાસું બેઠું’ એમ કહેવાય છે. નૈર્ઋત્યના ભેજવાળા મોસમી પવનોનો સર્વપ્રથમ વરસાદ આંદામાન ટાપુઓ પર પડે છે, ત્યારપછી જ ભારતના પશ્ચિમ કાંઠાના દક્ષિણ છેડે પડે છે. સામાન્યત: દક્ષિણ ભારત પર વર્ષાઋતુની શરૂઆત 1લી જૂને થાય છે. પહેલી જુલાઈ સુધીમાં સમગ્ર ભારતમાં ચોમાસું બેસી ગયું હોય છે. ભારતના વાયવ્ય ભાગોમાં ચોમાસાની પીછેહઠ સપ્ટેમ્બરના પ્રારંભથી શરૂ થઈ જાય છે. ભારતમાં પડતો વરસાદ મહદ્ અંશે ઉનાળાના પાછલા ભાગમાં અને ઓછા અંશે શિયાળામાં પડે છે; આ માટે તે તે સમયગાળામાં વાતા મોસમી પવનો જવાબદાર છે. નૈર્ઋત્યના ભેજવાળા મોસમી પવનો ભારતના ઘણાખરા ભાગો પર અંદાજે 70-90 % જેટલો વાર્ષિક વરસાદ આપી જાય છે. સમગ્ર ભારતમાં પડતા વાર્ષિક વરસાદની સરેરાશ મૂકીએ તો કુલ ~ 1090 મિમી. વરસાદ પૈકીનો 78 % (~ 850 મિમી.) વરસાદ એકલા નૈર્ઋત્યના મોસમી પવનો આપે છે, જ્યારે દક્ષિણ ભારતીય દ્વીપકલ્પ(તામિલનાડુ, આંધ્રપ્રદેશના ભાગો, વગેરે)નો મોટાભાગનો વરસાદ ઈશાનકોણી મોસમી પવનો આપે છે.