પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે, સન્ ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.
આજે, આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઊત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની, નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિનાં દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાનાં અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે.
આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં, રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એન.સી.સી કેડેટ ને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગલેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને રાજધાનીમાં આવેલી શાળાઓં માંથી પણ પસંદ કરેલા બાળકો ને અહી આમંત્રણ આપવામાં આવે છે.