મકર સંક્રાંતિ
મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.
ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.
ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતિ) ની સંધિ વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.
ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.