ગુરુ પૂર્ણિમા
અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર ગુરૂના સન્માન અને પૂજનનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. શાસ્ત્રોમાં ‘ગુ’ શબ્દનો અર્થ અંધકાર થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. જો કે, આજના જમાનામાં તો શાળા-કોલેજના ભણતરમાં શિક્ષકો-પ્રોફેસરો અને ગાઈડલાઈન આપતા તમામ ટ્યુટર્સ ગુરૂ છે. ત્યારે સામાન્ય રીતે તો વિદ્યાર્થીઓ આ ગુરૂઓનું પૂજન કરીને આ દિવસ મનાવતા હોય છે. પરંતુ દેશમાં કોરોના મહામારીને કારણે ચાલી રહેલા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન અભ્યાસ દરમિયાન જ બાળકો ગુરૂઓને શુભેચ્છા પાઠવી શકે છે. “ગુરુ ગોવિંદ દોનોઉ ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય” ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમકે, ગુરુએ આપેલ જ્ઞાન મારફતે જ શિષ્ય યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. ગુરુ અને ઈશ્વર બંને સાથે ઉભા છે માટે કોને પહેલા પગે લાગવું તે મૂંઝવણ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે, તેમણે જ ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી પહોચવું અશક્ય હતું. મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનારી માતા છે, પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન મનુષ્યના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિઆવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન, ગુરુ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.