ધુળેટી
હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.